સાબરકાંઠા LCBનો મોટો પર્દાફાશ: હિંમતનગરમાં નકલી સહી-સિક્કાથી આધારકાર્ડ અને બોગસ દાખલાનું રેકેટ ઝડપાયું

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હિંમતનગર શહેરમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના નકલી સહી-સિક્કાનો ઉપયોગ કરી આધારકાર્ડ, જાતિ, આવક તથા EWS જેવા મહત્વના દાખલામાં છેડછાડ કરીને બોગસ દસ્તાવેજો બનાવતું મસમોટું રેકેટ પર્દાફાશ કરવામાં આવ્યું છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને રૂ. ૧,૦૫,૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટનાની વિગત મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તે અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.ડી. સાકરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ ASI હરેશકુમાર નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે મહેતાપુરા વિસ્તારની વિષ્ણુનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો બનાવવામાં આવે છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા મકાન નં. ૨૨, વિષ્ણુનગર સોસાયટી ખાતે રેડ કરી બંને શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી લેપટોપ, પ્રિન્ટર, બાયોમેટ્રિક મશીન, નકલી સિક્કા તથા વિવિધ ખોટા દસ્તાવેજો મળી આવ્યા હતા, જેને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ હિંમતનગર બહુમાળી ભવનમાં જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને સાથે ખાનગી કોમન સર્વિસ સેન્ટર ચલાવતા હતા. તેઓ એવા લોકો માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરતા હતા જેમને આધારકાર્ડ અપડેટ કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હતા. આરોપીઓ નગરપાલિકા અને મામલતદાર કચેરીના નકલી સિક્કા બનાવી ખોટા રહેઠાણ, જાતિ અને આવકના દાખલા તૈયાર કરી તેને સરકારી સિસ્ટમમાં અપલોડ કરતા હતા, જેથી મૂળ જેવા જ બોગસ આધારકાર્ડ અને પ્રમાણપત્રો તૈયાર થાય.
પકડાયેલ આરોપીઓની વિગત:
(૧) કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ (ઉં.વ. ૩૨, રહે. વિષ્ણુનગર સોસાયટી, મહેતાપુરા, હિંમતનગર, મૂળ રહે. કુશાલપુર, રાજસ્થાન)
(૨) ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૩૫, રહે. કૃષ્ણા પાર્ક સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર, મૂળ રહે. ચાદરણી, તા. હિંમતનગર)
કબજે કરેલો મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર, બાયોમેટ્રિક મશીન, નકલી સિક્કા તથા ખોટા દસ્તાવેજો સહિત કુલ રૂ. ૧,૦૫,૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૯, ૩૪૧(૧)(૩)(૪), ૬૧(૨) તેમજ આઈ.ટી. એક્ટ કલમ ૬૬-પ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હવે સુધી કેટલા લોકોના દસ્તાવેજોમાં છેડછાડ થઈ છે તેમજ આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ સરકારી નોકરી અથવા યોજનાઓમાં થયો છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ ચાલી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગવામાં આવશે.





