ટોચના સમાચાર

ભોલેશ્વર રોડ પરના બંધ મકાનમાંથી લાખોની ચોરી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ફરાર થયા તસ્કરો

હિંમતનગરના ભોલેશ્વર-પરબડા રોડ પર આવેલી સુંદરમ સોસાયટીના એક બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે પરત ફરતા ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભોલેશ્વર રોડ પર આવેલી સુંદરમ સોસાયટીના મકાન નં.૨૩માં રહેતા એસટી બસના કંડક્ટર સુરેશકુમાર ગલજીભાઈ સુતરિયા અને આશાબેન મંજુલાબેનના બંધ મકાનમાં થોડા દિવસ અગાઉ અજાણ્યા શખ્સો તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ ઘરમાં રાખેલી તિજોરી તોડી અંદરનો સરસામાન વેરવિખેર કરી દીધો હતો.

તિજોરીમાંથી બે તોલાની બે સોનાની બંગડી, એક તોલાનો સોનાનો દોરો, પોણા એક તોલાની સોનાની બુટ્ટી અને કાનની હેર, તેમજ ૬ અને ૭ તોલાના વજનના ચાંદીના બે જોડી છડા સહિતના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલા આશરે એક લાખ રૂપિયા રોકડા પણ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે.

પરિવારજનોને બનાવની જાણ થતાં બુધવારે રાત્રે તેઓ દોડી આવ્યા હતા. જ્યાં મકાનના રસોડાના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો કોટ કૂદીને અંદર પ્રવેશ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ બેડરૂમમાં રાખેલી તિજોરી તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

બનાવ અંગે સુરેશભાઈ સુતરિયાએ પોલીસને જાણ કરતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ તેમજ એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!