ટોપ સ્ટોરીઝ

ઈડરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવવધારો અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન

પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ, વધતી મોંઘવારી તેમજ નીટ પેપર લીક મામલે આજે ઈડર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઈડર ટાવર ચોકથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એપોલો સર્કલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ તાલુકાઓના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો જોડાયા હતા. કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વધતી મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર નીટ પેપર લીક મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજો વધી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોના કારણે પરિવહન ખર્ચમાં વધારો થતાં રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે. બીજી તરફ નીટ પેપર લીક જેવી ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું હોવાનું જણાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવી જનહિતના પ્રશ્નો પર તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!