શામળાજીમાં LCBની મોટી કાર્યવાહી: ક્રેટા કારમાંથી ₹12.90 લાખનો દારૂ અને વાહન જપ્ત
પોલીસને જોઈ કારચાલકે ફિલ્મી સ્ટાઈલમાં ભાગવાનો પ્રયાસ કર્યો, આશ્રમ ચાર રસ્તા પાસે ઝડપાયો

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અરવલ્લીએ મોટી કાર્યવાહી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ₹12.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વ હેઠળની ટીમ જીવણપુર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતી.
દરમિયાન બાતમી મળી હતી કે સફેદ રંગની હુન્ડાઈ ક્રેટા કારમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો લઈને એક શખ્સ મોડાસા તરફ આવી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારચાલકે પોલીસને જોઈ યુ-ટર્ન મારી કાર પૂરઝડપે ભગાડી દીધી હતી.
પોલીસે સરકારી વાહન દ્વારા પીછો કરતાં આરોપીએ ખોડંબા, ખેરંચા અને ભવાનપુર માર્ગે શામળાજી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. શામળાજી પોલીસની મદદથી આશ્રમ ચોકી નજીક માર્ગ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. અંતે આરોપીએ શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે કાર ઉભી રાખી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન કાર પર લગાવેલી નંબર પ્લેટ GJ-01-WR-9219 ખોટી હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં વાહનનો અસલી નંબર RJ-27-CQ-6289 હોવાનું જાણવા મળ્યું હતું.
કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ અને બિયરની કુલ 41 પેટીઓ મળી આવી હતી. જેમાં 1,582 બોટલ અને ટીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹2.90 લાખ તથા કારની કિંમત ₹10 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. આમ કુલ ₹12.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલ આરોપી
પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગીરવા તાલુકાના લકડવાસ ગામના રહેવાસી લોગરલાલ વજાજી ગુલાજી ડાંગીને ઝડપી પાડ્યો છે.
વોન્ટેડ આરોપી
આ કેસમાં સંડોવાયેલા રોહિત નામના વ્યક્તિની પણ સંડોવણી સામે આવી છે. જોકે તેનું સંપૂર્ણ નામ અને સરનામું હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં રાજકોટ સિટી, નવસારી રૂરલ તથા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં એલસીબી અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલા, પીએસઆઈ વી.જે. તોમર, પીએસઆઈ પી.પી. સોલંકી, એએસઆઈ નરેશસિંહ દીપસિંહ, એએસઆઈ કલ્પેશસિંહ કરણસિંહ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ થાનાભાઈ, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ભીમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર અરવિંદભાઈ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ છગનભાઈ તેમજ શામળાજી પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





