સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે હૃદયદ્રાવક ઘટના

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં સુતેલા પરિવાર પર અચાનક ક્રેન ફરી વળતા એક નિર્દોષ બાળકનું કચડાઈ જતા મોત થયું છે, જ્યારે માતા-પિતા અને બહેનને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાથમિક માહિતી મુજબ પરિવાર ખેતરમાં સુતેલો હતો ત્યારે નજીકમાં કામ કરતી ક્રેન અચાનક બેકાબૂ બની ફરી વળી હતી. ક્રેન સીધી સુતા પરિવાર ઉપર ફરી વળતા એક બાળક તેની નીચે આવી ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
આ ઘટનામાં માતા-પિતા અને બાળકની બહેનને ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નજીકમાં સૂતેલી અન્ય એક સગીરાનો સદનસીબે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




