પ્રાંતિજ
વડવાસા પાટીયા પાસે પરપ્રાંતીય શ્રમિકની રહસ્યમય હાલતમાં લાશ મળતા ચકચાર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વડવાસા પાટીયા નજીક આવેલા એક પાર્લરના કેબીન પાસેથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક વડવાસા વિસ્તારની એક સ્થાનિક ખાનગી કંપનીમાં શ્રમિક તરીકે કામ કરતો હતો.
મળતી માહિતી અનુસાર મૃતકના મોઢામાંથી લોહી નીકળતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પ્રાંતિજ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ સહિત તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.




