અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર દોડતી કાર બની આગનો ગોળો, ચાલકનો આબાદ બચાવ

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પ્રાંતિજ તાલુકાના રસલપુર નજીક એક સ્કોડા કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલકે સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. જો કે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે પરથી પસાર થતી સ્કોડા કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલકે પરિસ્થિતિ ભાંપી તરત જ કાર રોડ સાઈડ પર ઉભી રાખી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ કારમાં ભભૂકી ઉઠેલી આગે સમગ્ર વાહનને પોતાની ચપેટમાં લઈ લીધું હતું.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હોવા છતાં ફાયર વિભાગ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતું. જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.




