હિમતનગર

હિંમતનગરના પરબડા-ભોલેશ્વર રોડની હાલત બિસ્માર: માત્ર થીગડા મારી સંતોષ મનાતા તંત્ર સામે પૂર્વ વિપક્ષી નેતાનો આક્રોશ

હિંમતનગર શહેરના પરબડા થી ભોલેશ્વર તરફ જતો મહત્વનો RCC રોડ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલી સરફેસને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે હિંમતનગર નગરપાલિકાના પૂર્વ નેતા વિપક્ષ ઈમરાન બાદશાહ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO) સાબરકાંઠાને એક ધારદાર રજૂઆત કરવામાં આવી છે.

કામગીરીના નામે વેઠ ઉતાર્યાનો આક્ષેપ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ રોડની ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર દ્વારા ગત ચોમાસા પૂર્વે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રોપર કામ કરવાને બદલે માત્ર ડામરના થીગડા મારીને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ “વેઠ ઉતારવા” જેવી કામગીરીને કારણે પ્રથમ વરસાદમાં જ થીગડા ઉખડી ગયા હતા અને રોડ ફરીથી મૂળ સ્થિતિમાં આવી ગયો હતો.

૧૦ મીટર પહોળો માર્ગ જોખમી બન્યો આ રોડની પહોળાઈ ૧૦ મીટર જેટલી છે, પરંતુ તેની સપાટી એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ટુ-વ્હીલર ચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. હવે જ્યારે ફરી એકવાર ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે જો આ રોડનું યોગ્ય સમારકામ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે.

લોકમાંગ: થીગડા નહીં, નવો રોડ બનાવો ઈમરાન બાદશાહ દ્વારા માંગ કરવામાં આવી છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ મુલાકાત લે અને માત્ર પેચવર્ક કરવાને બદલે પ્રોપર પદ્ધતિથી કાર્પેટ સીલકોટ સાથે ડામર રોડ અથવા નવો CC રોડ બનાવવામાં આવે. આ સાથે જ ખરાબ રોડના ફોટા અને વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પંચાયત તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કામગીરી શરૂ કરે છે.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!