UGVCLની બેદરકારીનો આક્ષેપ ! લટકતા વાયરથી ભાઈ-બહેનના મોત
ખેડાવાડા નજીક લક્ષ્મીપુરામાં દુર્ઘટના • ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડકતા ફેલાયો કરંટ • અગાઉ રજૂઆત છતાં કાર્યવાહી ન થવાનો આક્ષેપ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડાવાડા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં ખેતરમાં કામ દરમિયાન ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેક્ટરની ટ્રોલીમાં એરંડાની ફોતરી નાખતી વખતે ખેતરમાંથી પસાર થતા લટકતા વીજ વાયર ટ્રોલીને અડકતા કરંટ ફેલાયો હતો. જેમાં ભાઈ અને બહેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ લક્ષ્મીપુરા ગામના કાળુભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ પોતાના ખેતરમાં ટ્રેક્ટર મારફતે એરંડાની ફોતરી નાખવાનું કામ કરી રહ્યા હતા. ટ્રેક્ટર પર તેમની સાથે ભાણિયો વિવાન બેઠો હતો જ્યારે ટ્રોલીમાં રહેલી ફોતરી સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને પ્રવીણભાઈ દાંતરી વડે ખેતરમાં પાથરી રહ્યા હતા. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયર ઢીલા અને નીચા હોવાને કારણે ટ્રોલીની એંગલ સાથે અડક્યા હતા. વાયર અડકતા જ સમગ્ર ટ્રોલીમાં કરંટ પ્રસરી ગયો હતો અને ત્યાં હાજર લોકો ફેંકાઈ ગયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે કાળુભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૦) અને તેમની બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૨) ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પ્રવીણભાઈ તથા ભાણિયો વિવાનનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

બચી ગયેલા પ્રવીણભાઈએ આક્ષેપ કર્યો હતો કે ખેતરમાંથી પસાર થતા લટકતા વીજ વાયર અંગે અગાઉ મહેતાપુરા ગ્રામ્ય UGVCL કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. આક્ષેપોને કારણે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આશરે આઠ મહિના અગાઉ પણ ગામમાં લટકતા વીજ વાયરને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનું સામે આવતા ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઘટનાની જાણ થતાં UGVCLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
.




