મહેતાપુરામાં મોર્નિંગ વોક દરમિયાન મહિલાનો સોનાનો દોરો તોડાયો
બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સો દોઢ તોલાનો દોરો તોડી ફરાર

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ગુરૂવારે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેતાપુરાના ઝરણેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા જાગૃતિબેન દિનેશભાઈ પાંડોર ગુરૂવારે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ તેમના ગળામાં પહેરેલો અંદાજે દોઢ તોલા વજનનો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો અને પળવારમાં ફરાર થઈ ગયા હતા.
અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયેલા જાગૃતિબેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી બંને શખ્સો બાઈક લઈને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
તાજેતરમાં હિંમતનગર શહેરમાં મહિલાઓને નિશાન બનાવી સોનાના દોરા ઝૂંટવવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. નાગરિકોએ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.




