હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં અવાજ ઉઠાવનાર કોર્પોરેટરને શો-કોઝ નોટિસ જિલ્લા સંગઠન દ્વારા સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ

હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત બાદ ઉદ્ભવેલા વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે. વોર્ડ નં. 4ના કોર્પોરેટર ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ દ્વારા સામાન્ય સભામાં કમિટીઓની રચના અંગે નારાજગી વ્યક્ત કરીને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે જિલ્લા ભાજપ સંગઠને શિસ્તભંગનો મુદ્દો માનીને તેમને શો-કોઝ નોટિસ પાઠવી છે.
મળતી માહિતી મુજબ, ગત સોમવારે ટાઉન હોલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે સમિતિઓની રચના અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લા સંગઠનના આગેવાનો હરકતમાં આવ્યા હતા.
ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા તા. 2 જૂનના રોજ ગોવિંદસિંહ રાઠોડને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં જણાવાયું છે કે નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના માટે ભાજપ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ગોવિંદસિંહ રાઠોડે પણ પોતાની સંમતિ સાથે સહી કરી હતી. તેમ છતાં તેમણે જાહેરમાં તેમજ અન્ય માધ્યમો દ્વારા પક્ષ અને સ્થાનિક આગેવાનો વિરુદ્ધ નિવેદનો આપીને પક્ષની શિસ્તનો ભંગ કર્યો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું છે.
જિલ્લા સંગઠને કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડને સાત દિવસની અંદર લેખિતમાં ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ ન મળ્યે અથવા જવાબ સંતોષકારક ન હોવાનું જણાય તો સંગઠન દ્વારા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
નગરપાલિકાની સમિતિઓની રચનાનો મુદ્દો હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જિલ્લા સંગઠનને મળનારા જવાબ બાદ શું કાર્યવાહી થાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.




