હિમતનગર

સલાલ ગામના રેલ્વે ગરનાળાનું કામ ત્રણ મહિનાથી અધૂરું, ગ્રામજનોમાં ભારે રોષ

40 દિવસમાં પૂર્ણ થવાનું કામ ત્રણ મહિના બાદ પણ અધૂરું, અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં

સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામમાંથી નેશનલ હાઈવે તરફ જવા માટે વડલા પાસે આવેલા રેલ્વે ગરનાળા નંબર–74ના નવીનીકરણ માટે રેલ્વે વિભાગ દ્વારા 40 દિવસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા મુજબ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવાનું હતું, પરંતુ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં કામ હજુ અધૂરું રહેતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રની દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટર અત્યંત ધીમી ગતિએ કામગીરી કરી રહ્યો છે. પરિણામે સલાલ અને આસપાસના ગામોના લોકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે કામ સમયસર પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ખેડૂતો તેમજ વેપારીઓને લાંબા ચક્કર મારીને નેશનલ હાઈવે સુધી પહોંચવું પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે રેલ્વે વિભાગ અને સંબંધિત તંત્ર આ કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવે અને ગ્રામજનોને લાંબા સમયથી ભોગવવી પડી રહેલી મુશ્કેલીઓમાંથી તાત્કાલિક રાહત અપાવે. હાલ તો ગામલોકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે તંત્રની બેદરકારીના કારણે તેઓ ભગવાન ભરોસે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!