હિમતનગર

હિંમતનગરમાં કેનેડા વર્ક પરમિટના નામે કરોડોનું કૌભાંડ! 77થી વધુ લોકો બન્યા ભોગ, 15થી 20 કરોડની છેતરપિંડીના આક્ષેપ

સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક પરમિટના નામે કરોડોની છેતરપિંડીના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પીડિત પ્રિયમસિંહ સિસોદિયાએ આક્ષેપ કર્યો છે કે આઈઈએલટીએસ ક્લાસ સંચાલિકા પ્રીતિબેન વ્યાસે કેનેડા મોકલવાની લાલચ આપી લાખો રૂપિયા લીધા હતા. બાદમાં વિદેશ જવાની કોઈ પ્રક્રિયા ન થતાં અને કેનેડામાં તપાસ કરતાં પોતાના નામે કોઈ ફાઇલ ન હોવાનું સામે આવતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. હાલ સમગ્ર મામલે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ અન્ય પીડિતોના નિવેદનો લઈને તપાસ આગળ ધપાવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગરના પ્રિયમસિંહ સિસોદિયાએ વર્ષ 2022 દરમિયાન ગ્રીન પાર્ક સોસાયટી ખાતે ચાલતા પ્રીતિબેન વ્યાસના આઈઈએલટીએસ ક્લાસમાં પ્રવેશ લીધો હતો. તે દરમિયાન પ્રીતિબેન વ્યાસે કેનેડાનો વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી અંદાજે રૂ. 25 લાખ ખર્ચ થવાનો જણાવ્યો હતો. ત્યારબાદ ઓફર લેટર આપવામાં આવ્યું હતું તેમજ બાયોમેટ્રિક પ્રક્રિયા પણ પૂર્ણ કરાવવામાં આવી હતી. જોકે વારંવાર પાસપોર્ટ જમા લેવાની પ્રક્રિયા ટાળવામાં આવતા પ્રિયમસિંહને શંકા જતાં તેમણે પોતાની રીતે કેનેડામાં તપાસ કરાવી હતી. તપાસમાં તેમના નામે કોઈ ફાઇલ કે અરજી જ ન હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પ્રીતિબેન વ્યાસનો સંપર્ક કરતાં રૂ. 23 લાખમાંથી માત્ર રૂ. 4 લાખ પરત આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 19 લાખ પરત ન મળતાં આખરે તેમણે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પીડિતોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આઠ લોકો ફરિયાદ સાથે સામે આવ્યા છે, જ્યારે અંદાજે 77 લોકો આ સમગ્ર કૌભાંડનો ભોગ બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિતોએ સમગ્ર કૌભાંડ રૂ. 15થી 20 કરોડનું હોવાનું પણ આક્ષેપ કર્યો છે.હાલ ડિવિઝન પોલીસ અન્ય પીડિતોના નિવેદનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર કૌભાંડમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!