વિજયનગર

પોળો ફોરેસ્ટમાં ફરવા આવેલા બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના બે યુવકો નદીમાં નાહવા ઉતરતાં દુર્ઘટના; વિસ્તારમાં શોકની લાગણી

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના બે યુવકોનું પોળો ફોરેસ્ટ ખાતે નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બંને યુવકો પોળો ફોરેસ્ટમાં ફરવા આવ્યા હતા અને નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન પાણીનું સ્તર અચાનક વધતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર આજે છોડાયેલા પાણીના કારણે નદીનું જળસ્તર વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે બંને યુવકો બહાર આવી શક્યા નહોતા.મૃતકોની ઓળખ યશકુમાર વાઘેલા (ઉંમર 21 વર્ષ) અને સાહિલ મોરીલ (ઉંમર 22 વર્ષ), બંને રહે. ટીંટોઈ, અરવલ્લી તરીકે થઈ છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ઈડર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!