વિજયનગર

પોલીસ લોકઅપમાંથી આરોપી ફરાર થતા ખળભળાટ, થોડા કલાકોમાં બલિયા ગામેથી ફરી ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પોલીસ કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. ચિઠોડા પોલીસ મથકના લોકઅપમાંથી દિવસ દરમિયાન જ આરોપી ભાગી છૂટતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જોકે પોલીસની તાત્કાલિક કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીને ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો.

વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ મથકે રાજસ્થાનના ઉદેપુરનો સંજયભાઈ બંસીલાલ ખરીડીને પ્રોહિબિશનના ગુનામાં ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ લોકઅપ યોગ્ય રીતે લોક ન કરવામાં આવતા દિવસ દરમિયાન જ આરોપી લોકઅપમાંથી બહાર આવી ફરાર થઈ ગયો હતો.

આરોપી ફરાર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને તેની શોધખોળ માટે તાત્કાલિક ટીમો દોડતી થઈ હતી. ઘટનાના સમયે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર પોલીસ મથકે ફરજ પર હાજર હતા.પોલીસે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા થોડા જ કલાકોમાં વિજયનગરના બલિયા ગામમાંથી આરોપીને ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં બેદરકારી સામે આવતા ચિઠોડા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આરોપીને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!