સાબરકાંઠાના વિજયનગરમાં સરકારી નાણાંની મોટો ઉચાપત: વિજયનગર તાલુકા પંચાયત બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંની ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. તલાટીઓ, સરપંચ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી બોર, મોટર, રેતી, કપચી અને કરિયાણાના વેપારી જોડે મળી જુના કામોના બનાવટી બિલ બનાવી લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.
ગેરરીતિ અને તપાસ દાબવાના પ્રયાસો
રાજ્ય સરકારમાં કરવામાં આવેલી ગંભીર ફરિયાદો બાદ પણ નવા તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા યોગ્ય તપાસ કરવાના બદલે ‘આ GSTનો પ્રશ્ન છે’ અને ‘પંચાયતે માલ લીધો છે’ તેવા બનાવટી અને ઉડાઉ જવાબો આપીને તપાસ દાબવાનો પ્રયાસ કરાયો હોવાનો સ્થાનિક આગેવાનોએ આરોપ લગાવ્યો છે.
ભૂતકાળમાં પણ ૫-૬ પંચાયતોનો ચાર્જ ધરાવતા અને નાણાકીય ગેરરીતીઓના આક્ષેપોનો સામનો કરી ચૂકેલા વગદાર તલાટી દીક્ષિત નીનામાને હાલ બાલેટા પંચાયતનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વરસાદની સીઝનમાં બોર બનાવવાના કામ દર્શાવીને બનાવટી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
બનાવટી પુરાવા અને AI / GPS નો ખેલ
બોર ડ્રિલિંગના કામો બતાવવા માટે ચોંકાવનારી રીતે બનાવટી પુરાવા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે:
-
એક જ દિવસમાં ૮-૧૦ બોર: એક જ સાધન વડે એક જ દિવસમાં ૮ થી ૧૦ બોર કરવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વ્યવહારિક રીતે અશક્ય છે.
-
AI વડે બનાવટી ફોટો: GPS લોકેશન સાથે સબમિટ કરાયેલ મહિલાનો ફોટો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલો હોવાનું બહાર આવ્યું છે.
-
સ્થળ બદલીને છેતરપિંડી: એક જ વ્યક્તિ અને ગાડીના ફોટામાં બે અલગ-અલગ સ્થળ (એકમાં પાછળ ટેકરી/ઘર અને બીજામાં ખેતર) દર્શાવી સરકારને છેતરવાનો પ્રયાસ કરાયો છે.
-
સમયરેખાની ગડબડ: ૨૯ ઓગસ્ટના સવારે કામ શરૂ થયાના અને ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૮:૧૩ વાગ્યે કામ પૂર્ણ થયાના GPS ફોટો અપલોડ કરાયા છે, જેમાં રાત્રિ દરમિયાન કામ પૂરું થયું હોવાનું દેખાય છે.
અધિકારીઓને રક્ષણ મળતા સ્થાનિકોમાં આક્રોશ
અગાઉ પણ આવા અનેક કૌભાંડો અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખોટા રોજકામ બનાવીને નીચલા અધિકારીઓને બચાવવામાં આવ્યા હોવાના પુરાવા સાથે ACB (એન્ટી કરપ્શન બ્યુરો)માં પણ ફરિયાદ કરાઈ છે. આશ્ચર્યજનક રીતે, આવા આક્ષેપો છતાં અધિકારીઓને પ્રમોશન અને ટ્રાન્સફર આપીને રક્ષણ આપવામાં આવ્યું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
મુખ્ય માંગણીઓ
આ સમગ્ર કૌભાંડમાં સામેલ જવાબદારો સામે કડક પગલાં ભરવા સ્થાનિકો અને આગેવાનો માંગ કરી રહ્યા છે:
-
સહભાગી આસિસ્ટન્ટ ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી (TDO), સરપંચ અને તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
-
તમામ શંકાસ્પદ કામોની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરાવવામાં આવે.
-
રજૂ કરાયેલા બનાવટી ફોટા અને GPS પુરાવાની ફોરેન્સિક તપાસ કરવામાં આવે.
-
સરકારી નાણાંની ઉચાપત કરનારા તમામ ગુનેગારો સામે કડક કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય.




