વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપનો વિજય, ૮૮૩ મતથી જીત મેળવી
ચૂંટણી મોકૂફ બાદ યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ભાજપે બેઠક જાળવી રાખી, તાલુકા પંચાયતમાં ભાજપની બેઠકો ૧૦ થઈ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપે ફરી એકવાર વિજય મેળવતા બેઠક પર પોતાનો કબજો યથાવત રાખ્યો છે. મંગળવારે જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપના મહિલા ઉમેદવાર રમીલાબેન જયંતીભાઈ ઘોઘરાએ કોંગ્રેસ ઉમેદવાર સામે ૮૮૩ મતની સરસાઈથી જીત મેળવી હતી. આ જીત સાથે વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપની બેઠકોની સંખ્યા હવે ૧૦ પર પહોંચી છે.

ચિતરીયા બેઠકની ચૂંટણી અગાઉ ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાનને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ ફરીથી ચૂંટણી યોજાઈ હતી. ગત ૨૪ મેના રોજ ૬ મતદાન મથકો પર ભાજપ, કોંગ્રેસ અને બીએપીના ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. કુલ ૪૯૬૪ મતદારોમાંથી ૩૦૦૨ મતદારોએ મતદાન કર્યું હતું, જે અંદાજે ૬૭.૪૭ ટકા મતદાન નોંધાયું હતું.
૨૬ મેના રોજ વિજયનગર મામલતદાર કચેરી ખાતે યોજાયેલી મતગણતરીમાં ભાજપના રમીલાબેન ઘોઘરાને ૧૭૮૮ મત, કોંગ્રેસના વર્ષાબેન લક્ષ્મણભાઈ ખરાડીને ૯૦૫ મત અને બીએપીના મનીષાબેન વનરાજભાઈ ડામોરને ૨૪૪ મત મળ્યા હતા. ઉપરાંત ૨૧ મત નોટામાં પડ્યા હતા.

પરિણામ જાહેર થતાં ભાજપના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિજયનગર મામલતદાર કચેરી બહાર કાર્યકરોએ અબીલ-ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજયોત્સવ દરમિયાન ભાજપના ધ્વજ સાથે ઉજવણી કરાતા કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચિતરીયા બેઠક પર જીત મળતાં વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.




