વિજયનગર
વિજયનગરના સરોલીમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા એસઓજીની ટીમે મંગળવારે મળેલી બાતમીના આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોલી ગામમાં દરોડો પાડી ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, સરોલી ગામના રહેવાસી ઉનાજી દિનેશભાઈ ખરાડીએ પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે એસઓજીના પીઆઈ એ.એમ. વાળા, પીએસઆઈ કે.યુ. ચૌધરી તથા તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન ખેતરમાંથી અંદાજે 15.580 કિલોગ્રામ વજનના ગાંજાના 10 છોડ મળી આવ્યા હતા. પોલીસે જપ્ત કરાયેલા ગાંજાના છોડની કિંમત અંદાજે રૂ. 7.79 લાખ આંકી છે. ઉપરાંત બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 7.81 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
આ મામલે એસઓજીએ આરોપી ઉનાજી દિનેશભાઈ ખરાડી વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.




