વિજયનગર

ગાડી ગામે ડાકણનો વહેમ રાખી હુમલો કરી મોત નિપજાવ્યાની ઘટના બાદ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ મુલાકાતે પહોંચી, પરિવારને સાંત્વના પાઠવી

ગામમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ નાબૂદ કરવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગાડી ગામે તાજેતરમાં ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાના પરિવાર પર કરાયેલા જીવલેણ હુમલામાં એક યુવાનનું મોત નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. આ ગંભીર ઘટનાને પગલે શુક્રવારે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ ગાડી ગામે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.

મળતી માહિતી મુજબ તા.૧૯ મેના રોજ સાંજના સમયે કેટલાક લોકોએ મનુભાઈ રામજીભાઈ ડામોરના ઘરે પહોંચી તેમની પત્નિ કમળાબેનને ડાકણ હોવાનો વહેમ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મનુભાઈને જબરદસ્તી ઘરેથી ખેંચી ખેતર તરફ લઈ જઈ તેમના પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા મનુભાઈ ડામોરનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ૧૨ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની માહિતી અખબારો અને મીડિયા મારફતે બહાર આવતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ રાજકોટથી હિંમતનગર પહોંચી ત્યારબાદ ગાડી ગામે જઈ પરિવાર અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. ટીમે સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ અને સમાજ માટે ચિંતાજનક ગણાવી હતી.

ભારત જન વિજ્ઞાન જાથા એ દેશમાં વૈજ્ઞાનિક વિચારસરણી, માનવતા અને તર્કબદ્ધ સમજણ ફેલાવવા માટે કાર્યરત એક સામાજિક જાગૃતિ અભિયાન છે. સંસ્થા વર્ષોથી ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં જઈ અંધશ્રદ્ધા, ડાકણપ્રથા, ભુવા-ભારાડી, તાંત્રિક કુરિવાજો અને ખોટી માન્યતાઓ વિરુદ્ધ લોકોને સમજાવવાનું કાર્ય કરે છે. વિજ્ઞાન આધારિત સમજણ દ્વારા સમાજમાં જાગૃતિ લાવી નિર્દોષ લોકો પર થતા અત્યાચાર અટકાવવા માટે જાથા સતત પ્રયત્નશીલ રહે છે.

વિજ્ઞાન જાથાના જયંત પંડયા સહિત ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓના કારણે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સમાજમાં શિક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમ મજબૂત બને તે માટે લોકો સુધી સતત જાગૃતિ પહોંચાડવાની જરૂર છે.

ત્યારબાદ ગામમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનોને ડાકણપ્રથા જેવી માનવતા વિરોધી માન્યતાઓથી દૂર રહેવા, કાયદાનું પાલન કરવા અને કોઈપણ અફવા કે વહેમના આધારે હિંસા ન કરવા અપીલ કરવામાં આવી હતી. ગામમાં ફરી આવી દુઃખદ ઘટના ન બને તે માટે સમાજે એકતા અને સમજદારીથી આગળ આવવાની જરૂર હોવાનું પણ ટીમે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!