મહોરમ તહેવારને લઈ સાબરકાંઠા પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ

આગામી તા. 25 અને 26 જૂન, 2026ના રોજ ઉજવાનારા મુસ્લિમ સમાજના મહોરમ (તાજીયા) તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સાબરકાંઠા પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના અધ્યક્ષસ્થાને હિંમતનગર સ્થિત જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, મહોરમ કમિટીના સંચાલકો, તાજીયા જુલૂસના આયોજકો તથા વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મહોરમ તહેવાર દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા આયોજકોને કાયદાનું પાલન કરવા, પરસ્પર સહકાર જાળવવા અને કોઈપણ પ્રકારની અફવા કે વિવાદાસ્પદ પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
હિંમતનગર, જાદર, ઇડર, પીપોદરા, દેરોલ, ઇલોલ, કનાઈ, પ્રાંતિજ, ઓરાણ, હડમતિયા, બારકોટ અને ફતેહપુર સહિતના વિસ્તારોના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા.
સાબરકાંઠા પોલીસે જણાવ્યું હતું કે મહોરમ તહેવાર દરમિયાન જિલ્લામાં પૂરતી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.





