સાબરકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, મતદારોનું મૌન વધારશે સસ્પેન્સ
શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે અનેક બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર સર્જાતા ચૂંટણી રસપ્રદ બની છે. મતદારોનું મૌન અને ઉમેદવારોની દોડધામ વચ્ચે પરિણામોને લઈને ઉત્સુકતા વધી રહી છે.
જિલ્લામાં આગામી તા. ૨૬ એપ્રિલે ૮ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા ૩ નગરપાલિકાની પેટાચૂંટણી યોજાનાર છે. ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કાર્યકરો સાથે બેઠક, ઘરઘર સંપર્ક અને મતદારોને રીઝવવા પ્રયાસો તેજ બન્યા છે.
ભાજપે આ વખતે મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા ૩૩ ટકાની જગ્યાએ ૫૦ ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે પણ ખાસ કરીને હિંમતનગર નગરપાલિકાના ૧૧ વોર્ડમાં મોટા ભાગે ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં ૧૮ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગર જેવા વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે. ઘણા વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નો, આયાતી ઉમેદવારો અને ગરમીના માહોલને કારણે મતદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, જેનું પ્રતિબિંબ મતદાનમાં જોવા મળી શકે છે.
જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે કુલ ૯,૧૭,૦૪૭ મતદારો મતદાન કરશે. જેમાં ૪,૭૨,૫૦૮ પુરુષ મતદારો અને ૪,૪૪,૫૨૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે ૧,૨૧૦ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. મતદાન પૂર્વે તમામ કેન્દ્રો પર ઈવીએમ, પોલીસ બંદોબસ્ત અને જરૂરી સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
આ વખતની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, મહિલા ઉમેદવારોને મળેલ પ્રાધાન્ય અને ત્રીજા પક્ષની એન્ટ્રી પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.




