‘બોલ માડી અંબે… જય જય અંબે’ના જયઘોષથી ગુંજ્યું આકોદરા
રથ સાથે ૬૦ માઈભક્તોનો સંઘ અંબાજી તરફ પદયાત્રાએ રવાના, સતત ૧૩મા વર્ષે યોજાઈ પદયાત્રા

ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ ભાદરવી પૂનમના પાવન પર્વને લઈને માઈભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના દિવસે ખેડબ્રહ્મા તેમજ અંબાજી ખાતે મેળો ભરાવાનો હોવાથી વિવિધ ગામોમાંથી પદયાત્રા સંઘો અંબાજી તરફ રવાના થઈ રહ્યા છે. ત્યારે હિંમતનગર તાલુકાના આકોદરાથી શનિવારે સવારે માતાજીના રથ સાથે ૬૦ યુવકોનો પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો હતો.
આકોદરા યુવક મંડળ દ્વારા આયોજિત પદયાત્રાના પ્રસ્થાન સમયે ‘બોલ માડી અંબે… જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માતાજીના રથને આગળ રાખી ૬૦ યુવકોનો સંઘ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી ગયો હતો. શ્રદ્ધા અને આસ્થાભેર નીકળેલા આ સંઘના પગલે ગામમાં પણ ભક્તિમય માહોલ છવાયો હતો.
આ અંગે આકોદરા ગામના જયેશ પટેલ અને પંકીલ પટેલે જણાવ્યું હતું કે, આકોદરા યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પદયાત્રા સતત ૧૩મા વર્ષમાં પ્રવેશી છે. શનિવારે સવારે ૮ વાગ્યે માતાજીના રથ સાથે ૬૦ યુવકોનો સંઘ અંબાજી જવા રવાના થયો હતો.
ચાર દિવસની પદયાત્રા પૂર્ણ કરી સંઘ અંબાજી પહોંચશે. યાત્રા દરમિયાન રવિવારે સવારે ખેડબ્રહ્મા ખાતે દર્શન કરવામાં આવશે અને ત્યારબાદ મંગળવારે સવારે અંબાજી ખાતે પહોંચીને ચાચર ચોકમાં માતાજીના દર્શન તથા આરતીનો લાભ લેવામાં આવશે.
વર્ષોથી અવિરત ચાલી રહેલી આ પદયાત્રા આકોદરા ગામની શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક બની છે. દર વર્ષે યુવકો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી પહોંચીને માતાજીના દર્શન કરે છે અને ‘બોલ માડી અંબે… જય જય અંબે’ના જયઘોષ સાથે પોતાની આસ્થા વ્યક્ત કરે છે.




