સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય ચેઇન સ્નેચીંગ ગેંગના મુખ્ય સૂત્રધારો એલસીબીના સકંજામાં
ગુજરાત-રાજસ્થાનમાં મહિલાઓના ગળામાંથી દોરા તોડી તરખાટ મચાવતી ગેંગના આરોપીઓ ઝડપાયા, રૂ.૬,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા એલસીબી દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાનમાં મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડી આતંક મચાવતી આંતરરાજ્ય ચેઇન સ્નેચીંગ ગેંગના મુખ્ય સૂત્રધારોને ઝડપી મોટી સફળતા મેળવી છે. એલસીબી પીઆઇ ડી.સી. સાકરીયા તથા તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને બાતમીના આધારે શામળાજી તરફથી હિંમતનગર આવી રહેલા બાઈક સવાર બે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી તૂટેલી સોનાની ચેઇનો મળી આવતા કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીઓએ પોતાનું નામ દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા સંજય રામદાસ સાધુ હોવાનું કબૂલ્યું હતું. વધુ પૂછપરછમાં બન્નેએ ખેડ-તસીયા રોડ ઉપર મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડ્યાની સાથે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસ તપાસમાં આરોપીઓ સામે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ તેમજ અમદાવાદ શહેર વિસ્તારમાં પણ ચેઇન સ્નેચીંગ અને વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ચાર તૂટેલી સોનાની ચેઇનો, એક હોન્ડા શાઇન બાઈક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૭,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાંથી માત્ર સોનાના દોરાની જ કિંમત અંદાજે રૂ.૬,૭૦,૦૦૦ હોવાનું જાણવા મળ્યું છે.
એલસીબી દ્વારા કબ્જે કરાયેલા દોરાઓમાં ખેડ-તસીયા રોડ ઉપર પીપળાના વૃક્ષની પૂજા કરી ઘરે પરત ફરી રહેલી એક બહેનનો સોનાનો દોરો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ મહિલાઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો, પરંતુ આરોપીઓ ઝડપાતા હવે પીડિત પરિવારોમાં ફરી આશા અને વિશ્વાસ જાગ્યો છે.
એક સ્ત્રી માટે સોનાનો દોરો માત્ર આભૂષણ નહીં પરંતુ પરિવારની લાગણી, આશીર્વાદ અને સંસ્કારનું પ્રતિક ગણાય છે. કોઈ ભાઈએ બહેનને આપેલી ભેટ, કોઈ પિતાએ પુત્રીને પ્રેમથી આપેલો દોરો અથવા સાસુએ વહુને પરિવારની પરંપરા રૂપે પહેરાવેલો આભૂષણ હોય છે. તેથી તેની કિંમત માત્ર રૂપિયા પૈસાથી નહીં પરંતુ લાગણીઓ, સંસ્મરણો અને પરિવારના વિશ્વાસ સાથે જોડાયેલી હોય છે. આવા ગુનાઓ માત્ર સંપત્તિની ચોરી નહીં પરંતુ લાગણીઓ પર પણ હુમલો સમાન માનવામાં આવે છે.
સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં એવી લાગણી વ્યાપી રહી છે કે જિલ્લા પોલીસ અને એલસીબી જે રીતે લોકોની સુરક્ષા, મહિલાઓના વિશ્વાસ અને પીડિતોને ન્યાય અપાવવા માટે સતત ત્વરિત કામગીરી કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કબ્જે કરાયેલા સોનાના દોરા તાત્કાલિક અસરથી તેમના સાચા માલિકોને પરત આપવામાં આવે જેથી પીડિત પરિવારોને માનસિક રાહત મળી શકે.
પકડાયેલા આરોપી દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા સંજય રામદાસ સાધુએ મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડી અનેક પરિવારોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાવી હતી. જાગૃત નાગરિકોની માંગ છે કે આવા રીઢા આરોપીઓ સામે કાયદા મુજબ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વ મહિલાઓને નિશાન બનાવવાની હિંમત ન કરી શકે અને સમાજમાં કાયદો, સુરક્ષા અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને.
આ સમગ્ર કામગીરીમાં એલસીબીની ટીમે ઝડપી અને સુચનાત્મક કામગીરી કરી આંતરરાજ્ય સ્તરે સક્રિય ગેંગનો પર્દાફાશ કરતા સાબરકાંઠા પોલીસને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.




