સાબરકાંઠા

“જય અંબે”ના નાદ સાથે પદયાત્રીઓની સુરક્ષામાં સાબરકાંઠા પોલીસ ખડેપગે

વન-વે વ્યવસ્થા, રિફ્લેક્ટરથી સુરક્ષા સાથે પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ભોજન અને કાનૂની સહાયની વ્યવસ્થા

અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીના જાહેરનામાના અનુસંધાનમાં હિંમતનગરથી ખેરોજ સુધી પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગ પર વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે તેમના બેગ તેમજ જરૂરી સ્થળોએ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

સાબરકાંઠા જિલ્લા ડીએસપી કચેરી ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વિસામો શરૂ કરવામાં આવ્યો છે. અહીં પદયાત્રીઓ માટે રહેવાની તેમજ નાહવા-ધોવાની સુવિધા સાથે ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત રહી પોતાની ફરજ સાથે સેવા કામગીરીમાં ખડેપગે જોડાયા છે.

પદયાત્રીઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કાનૂની બાબતમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે કાનૂની સહાય કેન્દ્રની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી અંબાજી જતા તેમજ પરત ફરતા પદયાત્રીઓને માર્ગમાં સુરક્ષા અને જરૂરી સુવિધાઓ મળી રહી છે.

વિસામા ખાતે રોકાતા તથા માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ “જય અંબે”ના નાદ સાથે સાબરકાંઠા પોલીસની આ સેવા અને સુરક્ષાની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ દ્વારા ફરજની સાથે પદયાત્રીઓની સેવા માટે કરવામાં આવી રહેલી કામગીરી યાત્રિકોમાં પણ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી રહી છે.

અંબાજી પદયાત્રા દરમિયાન સુરક્ષા, સેવા અને સુવિધા જળવાઈ રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલું આ આયોજન “સેવા, સુરક્ષા અને શાંતિ”ના પોલીસના સંકલ્પને સાર્થક કરી રહ્યું છે.

જય અંબે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!