સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ: નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલની અપીલ

પોલીસ અધિક્ષશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારો, નદીઓ અને નાળામાં જવાનું ટાળવું. ખાસ કરીને યુવાનોને નદી-નાળામાં સ્ટંટ કરવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ લપસણા થતા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક અને શાંતિથી વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી છે. તે સિવાય વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજ વિસ્તારના પ્રતિબંધિત જંગલોમાં જવાનું ટાળવા જણાવ્યુ છે.
પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ NDRF અને SDRFની ટીમો સાથે સતત સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે. કોઈપણ કટોકટી કે ઈમરજન્સીના સમયે નાગરિકો તુરંત જ ૧૧૨ અથવા ૧૦૦ ડાયલ કરીને મદદ મેળવી શકે છે. સાબરકાંઠા પોલીસ અને વહીવટી તંત્ર નાગરિકોના સહકારથી કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે.




