સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની નાગરિકોને સાવચેતી અને સહયોગ આપવા અપીલ

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ તથા સંભવિત પૂર કે આપત્તિજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ અને સુસજ્જ છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા સમગ્ર જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે તંત્ર દ્વારા તમામ તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, મહેસૂલ વિભાગ, પોલીસ તંત્ર, NDRF અને SDRF સાથે નિરંતર સંકલન સાધીને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાં વસતા લોકોને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ સબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.જિલ્લા કલેક્ટરશ્રીએ સાબરકાંઠાના તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરતા જણાવ્યું છે કે ભારે વરસાદ કે પૂરની સ્થિતિ દરમિયાન જળબંબાકાર થયેલા વિસ્તારો, નદી-નાળા કે કોઝવે નજીક જવાનું સંપૂર્ણપણે ટાળવું અને વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. ખાસ કરીને વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજ જેવા જંગલ તેમજ પહાડી વિસ્તારોમાં અને નદી કિનારે પ્રવાસ કે બિનજરૂરી અવરજવર ન કરવા પણ અનુરોધ કરાયો છે. કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ કે મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ તેમજ હેલ્પલાઇન નંબર પર તુરંત સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્રને પૂર્ણ સહયોગ આપી પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.



