સાબરકાંઠા

વડાલી ભજપુરા ચેકડેમમાં ગેરકાયદે માટી પુરાણ મામલે તપાસ તેજ, અરજ બાદ તંત્ર હરકતમાં

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે આવેલ ચેકડેમોમાં ગેરકાયદેસર માટી પુરાણ મામલે અરજદારે કરેલી લેખિત રજુઆત બાદ તંત્ર સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

માહિતી મુજબ ભજપુરા ગામની સીમમાં આવેલા ચેકડેમ નં.૪૨૧ના ઉપરવાસ વિસ્તારમાં માટી પુરાણ કરવામાં આવ્યાની ફરીયાદ જાગૃત નાગરિક દિપકકુમાર દિનેશભાઈ ચૌધરી દ્વારા જાન્યુઆરી મહિનામાં સંલગ્ન વિભાગ સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે સિંચાઈ વિભાગ, હિંમતનગર દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેકડેમ વિસ્તારમાં માટી પુરાણ થયેલું જોવા મળ્યું હતું.

તંત્ર દ્વારા તાત્કાલિક આ માટી દૂર કરવા તથા સંબંધિતોને ખુલાસો આપવા સૂચના આપવામાં આવી હતી. બાદમાં માટી દૂર કરવામાં આવી હોવાનું વિભાગીય સૂત્રોએ જણાવ્યું છે.

તે ઉપરાંત ચેકડેમ નં.૯૭૮ અંગે પણ પુરાણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમ્યાન ખુલ્યું હતું કે ચેકડેમને બદલે તેની આસપાસની જમીનમાં માટી પુરાણ કરવામાં આવ્યું હતું. ભજપુરા ગામના સર્વે નં.૨૬માંથી એક ભાગને તા.૨૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ગામતળ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સમગ્ર જમીન ગામતળમાં સમાવિષ્ટ નથી અને હાલ સુધી તેમાં કોઈ પ્લોટ ફાળવણી કે લેઆઉટ મંજૂર કરવામાં આવેલ નથી.

સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ હાલ બંને ચેકડેમ ખુલ્લી સ્થિતિમાં છે. સમગ્ર મામલે ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ હકીકતલક્ષી અહેવાલ તંત્ર દ્વારા મંગાવવામાં આવ્યો છે, જે પ્રાપ્ત થયા બાદ જવાબદારો સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!