સાબરકાંઠા

વરસાદ પડતાંની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા વેલાવાળી શાકભાજી વરસાદી પાણીથી બગડી જતાં ખેડુતોને નુકશાન

લીલી શાકભાજીના ભાવ પ્રતિ કિલોના ૭૦થી વધુ બોલાયા

સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે મુખ્યત્વે શાકભાજી પકવતા ખેડુતોએ વાવેતર કરેલ વેલાવાળી શાકભાજી બગડી જતાં બજારમાં માંગની સામે પુરવઠો ઘટી રહયો હોવાને કારણે અન્ય રાજયોમાંથી આવતી શાકભાજીના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી ધરખમ વધારો થયો છે. જેના લીધે ગરીબ અને મધ્યમ પરિવારોની મહિલાઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.
સાબરકાંઠા જિલ્લામાં દરેક સીઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડુતોને લીલી શાકભાજી તરીકે ઓળખાતા કોબીજ, ફુલાવર, દૂધી, ટામેટા, ભીંડા, મરચા, ગવાર, ચોળી સહિત અન્ય શાકભાજીના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ શાકભાજીમાં જીવાત પડી ગઈ છે. એટલુ જ નહીં પણ સતત પાણી ભરાઈ રહેવાને કારણે દૂધી, ચોળી, ગવાર, ભીંડા સહિત અન્ય વેલાવાળી શાકભાજી બગડી જવાને કારણે બજારમાં આવતો જથ્થો ઘટી ગયો છે. તો બીજી તરફ રોજબરોજ હિંમતનગર સહિત અન્ય સ્થળે આવેલા શાકમાર્કેટમાં છુટક અને હોલસેલ વેપાર કરતા વેપારીઓ ઘરાકીને ધ્યાનમાં રાખીને ગુજરાત સિવાય અન્ય રાજયોમાંથી શાકભાજી મંગાવી રહયા છે. જે શાકભાજી ખાસ કરીને અમદાવાદના મુખ્ય શાકમાર્કેટમાં આવ્યા બાદ અહીંથી અમદાવાદના વેપારીઓ અન્ય સ્થળે શાકભાજી મોકલી રહયા છે. જેના લીધે ભાવમાં ભડકો થયો છે.
હિંમતનગર સહિત જિલ્લામાં અન્ય સ્થળે વેચાતી દૂધીના ભાવ પ્રતિ કિલોના રૂ.૪૦ બોલાયો છે, ભીંડા પ૦ રૂપિયા, કેપ્સીકમ મરચાનો ભાવ પ્રતિ કિલોના ૧૦૦થી વધુના ભાવે સોમવારે વેચાયા હતા. કોબીજ અને ફુલાવરની વાત કરીએ તો સાબરકાંઠામાં મોટા પ્રમાણમાં પાકતી આ બંને શાકભાજી હાલ નાસીક, પૂના તથા દક્ષિણ ભારતના રાજયોમાંથી આવતી હોવાને કારણે તેના ભાવ ખુબજ વધી ગયા છે. ટામેટા અને લીલા મરચા માટે પ્રખ્યાત ઈડર અને વડાલી તાલુકામાં ખેડુતોએ આ બંને શાકભાજીનું વાવેતર કરી દીધુ છે પરંતુ અત્યારે તે તૈયાર થયા ન હોવાને કારણે આ શાકભાજી બીજા રાજયોમાંથી આવી રહી હોવાને કારણે તેનો ભાવ પ્રતિ કિલોના ૭૦ થી વધુ હોલસેલમાં બોલાઈ રહયો છે.
ત્યારબાદ છુટક વેપારીઓ હોલસેલમાંથી ખરીદી કરીને નફો તથા અન્ય બગાડ કાઢી નાખી તેનો ભાવ ૧૦૦ રૂપિયાથી વધુ લેવાઈ રહયો છે, દરમ્યાન કેટલાક પરિવારો ચોમાસામાં શાકભાજીનો ઉપયોગ ઘટાડીને શારિરીક તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને લીલી શાકભાજીના બદલે કઠોળનો ઉપયોગ વધુ કરી રહયા છે. શાકમાર્કેટના જાણકારોના માનવા મુજબ આગામી એકાદ મહિના બાદ બજારમાં નવી શાકભાજીની આવક શરૂ થયા પછી ભાવ ઘટી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!