પ્રાંતિજ

ટોલ વસૂલે, રસ્તા ન સુધારે! પ્રાંતિજમાં છ યુવાનોએ પોતાના ખર્ચે જીવલેણ ખાડા પૂર્યા, હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે અનોખું ઉદાહરણ

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટોલ વસૂલતી હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે સ્થાનિક છ યુવાનોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન નજીક આવેલા હાઇવે ઓવરબ્રિજ પર લાંબા સમયથી પડેલા જીવલેણ ખાડાઓને લઈને અનેક રજૂઆતો છતાં તંત્ર હરકતમાં ન આવતા છ યુવાનોએ પોતાના ખર્ચે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાસેથી શરૂ થતા હાઇવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી મોટા અને જોખમી ખાડાઓ પડ્યા હતા. રોજિંદા હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતાં હોવાથી અકસ્માતનો ભય સતત વધી રહ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ અનેક વખત હાઇવે ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આખરે પ્રાંતિજના અનુજ પટેલ, કિર્તન પટેલ, ભાવેશ દેસાઈ, સુજલ દેસાઈ, હર્ષિલ ગોહિલ અને વજેશ ભાવસારે કોઈ સરકારી મદદની રાહ જોયા વિના પોતાના ખર્ચે બાંધકામ સામગ્રી ખરીદી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. યુવાનોની આ સેવાભાવી કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.

સ્થાનિકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે એક તરફ લાખો રૂપિયાનો ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે બીજી તરફ માર્ગની જાળવણી અને વાહનચાલકોની સુરક્ષા પ્રત્યે જરૂરી ધ્યાન અપાતું નથી. ઉપરાંત, અંદાજે ત્રણ મહિના પહેલાં જ બનેલા ઓવરબ્રિજ પર મોટા ખાડા પડ્યાના અહેવાલોને પગલે બાંધકામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિકોએ સમગ્ર ઓવરબ્રિજના બાંધકામની ઉચ્ચસ્તરીય તકનીકી તપાસ કરાવવા, જો કોઈ બેદરકારી અથવા ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા તેમજ માર્ગનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરવાની માંગ કરી છે.

પ્રાંતિજના આ છ યુવાનોની પહેલ માત્ર ખાડા પૂરવાની કામગીરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જવાબદાર તંત્રને પોતાની ફરજનું સ્મરણ કરાવતું અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!