પ્રાંતિજ

વડવાસા–ગલતેશ્વર ફીડરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં ગ્રાહકોનો વીજ કચેરીએ હલ્લાબોલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામ અને ગલતેશ્વર ફીડરમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યાથી કંટાળેલા ગ્રાહકોનો રોષ સોમવારે રાત્રે ફાટી નીકળ્યો હતો. સોમવારે બપોરથી વીજ પુરવઠો બંધ થઈ જતાં મોડી રાત સુધી વીજળી પુનઃ શરૂ ન થતાં મોટી સંખ્યામાં ગ્રાહકો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન નજીક આવેલી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ વડવાસા ગામ તેમજ ગલતેશ્વર ફીડર હેઠળના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા સર્જાય છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં, પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર તેમજ વીજ કંપનીની કચેરી પાછળ આવેલા રહેણાંક વિસ્તારોમાં પણ વારંવાર વીજળી ગુલ થવાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

રોષે ભરાયેલા સ્થાનિકો જ્યારે વીજ કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે ટેકનિકલ કર્મચારી હાજર ન હોવાનું સામે આવ્યું. કચેરીમાં માત્ર ટેલિફોન ઓપરેટર હાજર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદ માટે ફોન કરવામાં આવે ત્યારે ઘણી વખત ફોન ઉપાડવામાં આવતો નથી અથવા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ વીજ પુરવઠો સતત ખોરવાતો હોવાથી આ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસાની સિઝનમાં જો કોઈ ગંભીર કટોકટીની પરિસ્થિતિ સર્જાય અને તે સમયે જવાબદાર અધિકારીઓ કચેરીમાં હાજર ન હોય તો લોકોની મુશ્કેલી અનેકગણી વધી શકે છે.

ગ્રામજનોએ વીજ પુરવઠો નિયમિત અને સ્થિર બનાવવા, ચોમાસા દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ આપતી વ્યવસ્થા ઉભી કરવા તેમજ બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!