હિંમતનગરમાંથી ચેક બાઉન્સના ગુનામાં સજા પામેલો આરોપી ઝડપાયો: બી ડીવીઝન પોલીસની સફળ કામગીરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ (ચેક બાઉન્સ) ના ગુનામાં કોર્ટ દ્વારા સજા પામેલા એક નાસતા ફરતા આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) નાઓએ જિલ્લામાં સજા પામેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપી હતી. જે અંતર્ગત હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા તેમની ટીમ સતત વોચ અને તપાસમાં હતી.
બાતમીના આધારે પોસ્ટ ઓફિસ પાસેથી ધરપકડ
તા. ૧૫/૦૭/૨૦૨૬ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હિંમતનગર જનરલ પોસ્ટ ઓફિસ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈ (બ.નં. ૨૮૮) ને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હિંમતનગરની કોર્ટ (ચોથા એડી. સીની. સીવીલ અને ચીફ જ્યુડી. મેજી. કોર્ટ) ના કેસ નં. સી.સી.નં. ૫૭૪૮/૨૦૨૫ હેઠળ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ગુનામાં સજા પામેલા આરોપી રસીકલાલ નટવરલાલ શાહ (રહે. ચેહરકૃપા સોસાયટી, બ્રહ્માણીનગર, હિંમતનગર) ને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી સજા વોરંટના આધારે તેને હિંમતનગર સબ જેલ ખાતે મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા સાથે નીચે મુજબના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી:
પી.એસ.આઈ. એ.પી. માળી
પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમાર રમણભાઈ
પોલીસ કોન્સ્ટેબલ અભિષેક મહીજીભાઇ




