‘હું ટ્યુશન મૂકી જાઉં છું’ કહીને યુવકે સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

સગીરાની માતાએ મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સગીરાના આધાર કાર્ડ વિના જ હોટલમાં રૂમ આપ્યો
મહેસાણા: ઘરેથી ટ્યુશન જવા નીકળેલી ૧૫ વર્ષની સગીરાને “હું ટ્યુશન મૂકી જાઉં છું” કહી બાઈક પર બેસાડી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરનાર શોભાસણના યુવક સામે મહેસાણા એ-ડિવિઝન પોલીસે પોક્સો (POCSO) ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત:
-
ઘટનાનો દિવસ: ૩૦ જુલાઈ
-
આરોપી: શનીજી ખોડાજી ઠાકોર (રહે. શોભાસણ)
-
સ્થળ: તુલસી હોટલ (પાલાવાસણા અને રામપુરા ચોકડી વચ્ચે, મહેસાણા)
મહેસાણામાં પોતાના પરિવાર સાથે રહેતી ૧૫ વર્ષ અને ૯ માસની સગીરા ૩૦ જુલાઈના રોજ પોતાના ઘરેથી પરા વિસ્તારમાં ટ્યુશન જવા માટે નીકળી હતી. તે સમયે રસ્તામાં ઉભેલા શોભાસણના શનીજી ખોડાજી ઠાકોર નામના યુવકે સગીરાને “હું ટ્યુશન મૂકી જાઉં” તેમ કહ્યું હતું. શનીજી સગીરાના મિત્રનો મિત્ર હોવાથી તે તેને સામાન્ય ઓળખાણથી જાણતી હતી, જેથી તે તેના બાઈક પર બેસી ગઈ હતી.
શનીજી તેણીને ફોસલાવીને પાલાવાસણા અને રામપુરા ચોકડી વચ્ચે આવેલ તુલસી હોટલમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
રાત્રે નિયત સમય કરતાં મોડા (સાડા આઠ વાગે) ઘરે પહોંચેલી સગીરાની માતાએ પૂછપરછ કરતાં સગીરાએ શનીજી ઠાકોરે કરેલા કૃત્ય અંગે જણાવ્યું હતું. આથી સગીરાની માતાએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આધાર કાર્ડ ચકાસ્યા વિના હોટલમાં રૂમ આપવા સામે પ્રશ્નો:
શનીજી ઠાકોરે તુલસી હોટલમાં રૂમ રાખીને ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સામાન્ય નિયમ મુજબ કોઈપણ હોટલમાં રૂમ ભાડે લેતી વખતે યુગલ (કપલ) બંનેનો ઓળખ અને ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ) લેવો ફરજિયાત હોય છે. પરંતુ મહેસાણા શહેરમાં હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકો તથા સંચાલકો દ્વારા માત્ર મોટી ઉંમરના યુવકનું આધાર કાર્ડ લઈને જ રૂમ આપી દેવાય છે, જેના લીધે આવી દુષ્કર્મની ઘટનાઓ બને છે.
(નોંધ: અગાઉ વિજાપુરમાં બનેલી આવી જ દુષ્કર્મની ઘટનામાં પોક્સો હેઠળ ફરિયાદ બાદ સગીરા અને યુવકને નિયમવિરુદ્ધ રૂમ આપનાર હોટલના સંચાલક સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.)