ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની શાળાઓમાં શિક્ષકોના રોજિંદા અપડાઉનથી શિક્ષણ પર માઠી અસર!

દૂર-દૂરથી આવતા શિક્ષકો નિયમોની ધજાગીરા ઉડાડી રહ્યા હોવાથી વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ

ખેડબ્રહ્મા / પોશીના: ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો ગાંધીનગર, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી રોજિંદુ ‘અપડાઉન’ કરી રહ્યા છે. શિક્ષકોના આ રોજિંદા અપડાઉનના કારણે બાળકોના શિક્ષણ કાર્ય પર ખૂબ જ માઠી અસર પહોંચી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે.

સરકારી નિયમો ને ગોળી પી જતા ‘અપડાઉનીયા’ શિક્ષકો

સરકારી નિયમ મુજબ શિક્ષકોએ હેડક્વાર્ટરની મર્યાદા (૮ થી ૧૦ કિલોમીટર) ની અંદર જ નિવાસ કરવાનો હોય છે. આમ છતાં, અપડાઉન કરતા શિક્ષકો આ નિયમોને નેવે મુકીને રોજ કલાકોની મુસાફરી કરી રહ્યા છે, જેના કારણે તેઓ શાળા સમયસર પહોંચી શકતા નથી અને અનિયમિતતા સર્જાય છે. સરકારના લાખોના ખર્ચ સામે અનિયમિત ગુરુજીઓ! એક તરફ સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિદ્યાર્થીઓમાં નિયમિતતા લાવવાના સતત પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ અપડાઉન કરીને અનિયમિત બનતા શિક્ષકોના કારણે સરકારના આ પ્રયાસો પાણીમાં જતા દેખાઈ રહ્યા છે.

આચાર્ય જ અપડાઉન કરે તો શિક્ષકો ક્યાંથી રોકાય?

સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, જો શાળાના આચાર્ય (પ્રિન્સિપાલ) પોતે જ અપડાઉન કરતા હોય, તો અન્ય શિક્ષકો ક્યાંથી અપડાઉન બંધ કરે? જો જવાબદાર આચાર્ય સામે જ કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અન્ય શિક્ષકો અપડાઉન બંધ કરશે તેમ લાગી રહ્યું છે. લોકોમાં વેધક પ્રશ્નો અને રોષ અપડાઉન કરતા શિક્ષકો પ્રત્યે સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. હાલમાં લોકોમાં કેટલાક વેધક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે: શું તાલુકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે વહીવટી તંત્ર આ બાબતે સાવ અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? શું તાલુકા/જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગ કે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક અને ગ્રાન્ટેડ શાળાઓમાં ‘સર્પ્રાઇઝ ચેકિંગ’ હાથ ધરીને ગંભીરતાથી નોંધ લેવામાં આવશે ખરી? શું આ બાબતે ગુજરાત સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં? હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આવા અપડાઉનીયા શિક્ષકો અને આચાર્યો સામે ક્યારે કડક હાથે કામગીરી કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!