પોશીનાના છોછર ગામેથી મળી આવેલી અજાણી લાશનો મર્ડર મિસ્ટ્રી ઉકેલાયો : ૩ આરોપી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છોછર ગામની સીમમાંથી મળી આવેલી અજાણ્યા યુવકની લાશનો ભેદ ઉકેલવામાં પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. મૃતક અમદાવાદના રાકેશભાઈ કાળાભાઈ પરમાર (ઉં.વ. ૨૮) હોવાનું સામે આવ્યું છે. આ ગુના અંગે મૃતકના ભાઈ દિનેશકુમાર પરમારે પોશીના પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
પાર્ટી કરવાના બહાને લાવ્યા અને ગળું દબાવી હત્યા કરી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મૃતક રાકેશભાઈ પોતાના મિત્રો સાથે નીકળ્યા હતા. આરોપી રવીભાનસિંગ રાજપૂત તથા તેની પત્ની ભાવનાબેન અને અન્ય બે ઈસમો રાકેશભાઈને પાર્ટી કરવાના બહાને હિંમતનગર તરફ લઈ ગયા હતા. ત્યાં કોઈ અગમ્ય કારણોસર રાકેશભાઈનું ગળું દબાવી તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓએ લાશને પોશીના તાલુકાના છોછર ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ રોડની સાઈડમાં ફેંકી દીધી હતી.
પત્નીએ પણ રચ્યું કાવતરું
પોલીસ તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે મૃતકના મૈત્રી કરારથી સાથે રહેતી પત્ની ગીતાબેન ઉર્ફે મોહિનીબેન આ સમગ્ર હત્યાની ઘટના જાણતી હોવા છતાં પરિવારથી આ વાત છુપાવી હતી અને સમગ્ર ષડયંત્રમાં સાથ આપ્યો હતો.
પોલીસે ૩ આરોપીઓની અટકાયત કરી
પોશીના પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એન. સાધુ અને તેમની ટીમે ગુનાની ગંભીરતા જોઈ ત્વરિત તપાસ હાથ ધરી હતી. પી.એમ. રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું સામે આવતાં પોલીસે કલમ ૧૦૩(૧), ૬૧(૨) હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી રવીભાનસિંગ રાજપૂત, ભાવનાબેન રાજપૂત અને ગીતાબેન (મૃતકની પત્ની) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




