ખેડબ્રહ્મા

પોશીના ગ્રામ પંચાયતમાં માત્ર કાગળ પર જ ગ્રામસભા! ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોમાં ભારે રોષ

લાખો રૂપિયાનો વહીવટ બારોબાર કરી દેવા સહિત વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટોની માહિતી છુપાવવાનો સભ્યોનો ગંભીર આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામસભા એ લોકશાહીની ‘રીડની હડ્ડી’ (કરોડરજ્જુ) સમાન ગણાય છે, પરંતુ પોશીના ગ્રામ પંચાયતમાં જન રજૂઆતો માત્રને માત્ર કાગળ પર જ રહી જતાં લોક ફરિયાદો ઉઠવા પામી છે. ગામના વિકાસ માટે આગોતરું આયોજન કરવા તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અર્થે સરપંચ, તલાટી અને પંચાયત બોડીની હાજરીમાં નિયમ મુજબ ગ્રામસભા યોજવાની હોય છે. પરંતુ પોશીના પંચાયતમાં કંઈક અલગ જ કારસો જોવા મળી રહ્યો છે.

એજન્ડા વગર જ નામના નાટકો!

ચૂંટાયેલા પંચાયત સભ્યોના ગંભીર આક્ષેપ અનુસાર, ગ્રામસભા અંગે સભ્યોને કોઈપણ પ્રકારની જાણ કે અગાઉથી એજન્ડા આપવામાં આવતો નથી. પંચાયતના ૫૦% કરતાં વધુ સભ્યોની ગેરહાજરી વચ્ચે માત્ર ૫-૧૦ માણસોને બોલાવીને માત્ર નામ પૂરતી ગ્રામસભા ચોપડે બતાવી દેવામાં આવે છે. નિયમ મુજબ પંચાયતની ગ્રામસભાની જાણ દરેક નાગરિક સુધી કરવાની હોય છે અને પૂરતી હાજરી હોય ત્યારે જ સભા યોજવાની હોય છે, પરંતુ અહીં માત્ર સરપંચ અને બે સભ્યોની હાજરીમાં જ આખી ગ્રામસભા આટોપી લેવાતાં ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

ગ્રાન્ટ અને ખર્ચમાં ગેરરીતિના આક્ષેપો

વધુમાં સભ્યોએ ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે:

  • પંચાયતમાં વિવિધ યોજનાઓ હેઠળ આવતી વિકાસલક્ષી ગ્રાન્ટો અંગેની કોઈ માહિતી સભ્યોને આપવામાં આવતી નથી.

  • નિયમ મુજબ રૂ. ૫૦૦થી વધુના ખર્ચ માટે ચૂંટાયેલા સભ્યોની સંમતિ કે મંજૂરી લેવી ફરજિયાત હોય છે.

  • પરંતુ પોશીના પંચાયતમાં વિકાસ કામોના નામે લાખો રૂપિયાનો વહીવટ બારોબાર કરી દેવામાં આવે છે.

ગ્રામસભા માત્ર કાગળ પર જ બતાવીને લોકશાહીના મૂલ્યોનું હનન કરાતું હોવાના આક્ષેપો સાથે હવે સવાલ એ ઊભો થાય છે કે, શું જવાબદાર ઉપરી તંત્ર તથા તાલુકા/જિલ્લા પંચાયતના અધિકારીઓ આ ગંભીર બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લેશે કે પછી કાગળ પર ચાલતો આ વહીવટ આમ જ ચાલુ રહેશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!