હિંમતનગરના વાવડીમાં અજાણ્યા શખ્સો ચોરી કરવા માટે નળીયા ખોલી ઘરમાં પ્રવેશ્યા
મકાનમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ.૮.૩૬ લાખની ચોરી કરતાં ફરીયાદ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાવડી ગામના એક મકાનમાં ત્રણ દિવસ અગાઉ ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ એક મકાનના નળીયા ખોલી ઘરમાં પ્રવેશ કર્યા બાદ રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.૮.૩૬ લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરીયાદ મંગળવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે વાવડી ગામના જશવંતસિંહ બાલુસિંહ મકવાણાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.ર૦ એપ્રિલની રાત્રે વાવડી ગામે ચોરીના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ જશવંતસિંહ મકવાણાના ત્રીજા નંબરની રૂમની છત પરથી વિલાયતી નળીયા ખોલી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ આ શખ્સોએ પતરાની પેટીમાં રખાયેલ રૂ.૧.૪૭ લાખની પ૦૦ના દરની ચલણી નોટો તથા રૂ.ર૦૦ના દરની ૧૦પ નોટો કે જેનું મુલ્ય રૂ.ર૧ હજાર થવા જાય છે તે ચોરી લીધા હતા.
ત્યારબાદ આ અજાણ્યા શખ્સોએ રૂ.૧.૪પ લાખનો સોનાનો દોરો, રૂ.૧.૪પ લાખનું સોનાનું લોકીટ, રૂ.૧ લાખના ચાંદીના રમજા તથા રૂ.૪૦ હજારના ર૦૦ ગ્રામ ચાંંદીના ત્રણ જોડ રમજા, રૂ.૧૦ હજારનો ચાંદીનો જુડો અને રૂ.૩ હજારનું ચાંદીનું મંગળસૂત્ર ઉપરાંત રૂ.૧ર હજારની સોનાની ચુની, રૂ.૬ હજારના ચાંદીના વેઢ સહિત રૂ.૭ર,પ૦૦ના દાગીના અને રોકડ મળી અજાણ્યા શખ્સો રૂ.૮.૩૬ લાખથી વધુની મત્તાની ચોર પતરાની પેટી સાથે ચોરી કરી જતાં જશવંતસિંહે મંગળવારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.



