ઈડરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘ગ્રીન અરાવલી’ થીમ પર ભવ્ય બાઇક રેલી યોજાઈ
ધારાસભ્ય રમણલાલ વોરાએ લીલી ઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું; વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે ઈડર વન વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના કર્મચારીઓ દ્વારા ‘ગ્રીન અરાવલી’ થીમ આધારિત એક ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી.
આ બાઇક રેલીનું પ્રારંભિક સ્થળ ઈડરનું ઐતિહાસિક રાણી તળાવ રહ્યું હતું, જ્યાંથી ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા દ્વારા લીલી ઝંડી દર્શાવીને રેલીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જતન અને અરાવલીની ગ્રીનરી વધારવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. જેમાં ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ પરમાર, સાબરકાંઠા નાયબ વન સંરક્ષક (DCF), મદદનીશ વન સંરક્ષક (ACF) તેમજ સ્થાનિક આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
બાઇક રેલીના માધ્યમથી વન વિભાગના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.





