ઇડર

મુડેટીના ચાર યુવાનોની ૧,૧૦૧ કિમીની કાવડયાત્રા : ૨૧ લીટર ગંગાજળ સાથે ૩૮ દિવસથી પગપાળા સફર

ખેરવાડામાં કાનપુરના યુવાનોએ કાવડયાત્રીઓનું સ્વાગત કરી વધાવ્યો ઉત્સાહ

શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથ પ્રત્યેની અખંડ ભક્તિ અને સંકલ્પનું અનોખું ઉદાહરણ ઈડર તાલુકાના મુડેટી ગામના ચાર યુવાનોએ પૂરું પાડ્યું છે. મુડેટી ગામના ધવલભાઈ પટેલ સહિત ચાર યુવાનો હરિદ્વારથી ૨૧ લીટર પવિત્ર ગંગાજળ લઈને આશરે ૧,૧૦૧ કિલોમીટરની પગપાળા કાવડયાત્રા કરી રહ્યા છે.

ચારેય યુવાનો કાવડમાં અંદાજે ૨૬ કિલો જેટલું વજન લઈને સતત ૩૮ દિવસથી પગપાળા યાત્રા કરી રહ્યા છે. યાત્રા દરમિયાન ભગવાન શિવનું નામસ્મરણ, ધાર્મિક નિયમોનું પાલન તથા સંયમ જાળવી તેઓ પોતાના વતન તરફ આગળ વધી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આટલા લાંબા અંતરની કાવડયાત્રા ભક્તિ અને સંકલ્પનું અનોખું ઉદાહરણ બની છે.

કાવડયાત્રીઓને પ્રોત્સાહન આપવા મુડેટીના ગ્રામજનો તેમજ સમાજના આગેવાનો સાથે કાનપુર ગામના નીખિલભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ અને કમલેશભાઈ પ્રજાપતિ સહિતના યુવાનો રાજસ્થાનના ખેરવાડા ખાતે પહોંચ્યા હતા. તેમણે કાવડયાત્રીઓનું સ્વાગત કરી તેમની ભક્તિ અને સંકલ્પને બિરદાવ્યો હતો તેમજ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

હરિદ્વારથી કાવડ લઈને મુડેટી જવા નીકળતા અગાઉ ગામમાં ચારેય યુવાનોને ઢોલ-નગારાના તાલે તથા ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ત્યારથી ચારેય યુવાનો સતત પગપાળા યાત્રા કરી રહ્યા છે.

આ કઠિન યાત્રા પૂર્ણ કરી ચારેય કાવડયાત્રીઓ આગામી ૩૧ ઓગસ્ટે મુડેટી ગામે પહોંચશે. ત્યારબાદ હરિદ્વારથી લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળથી મુડેટીના પ્રાચીન વિશ્વનાથ મહાદેવ મંદિર તેમજ વૈજનાથ મહાદેવ મંદિરે જલાભિષેક કરવામાં આવશે. યુવાનોની આ ધાર્મિક યાત્રાને પગલે મુડેટી સહિત આસપાસના વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!