બડોલી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ, ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લીધો લાભ

હિંમતનગર, ઇડર તાલુકાના બડોલી ગામે ઇડર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. “સરકારી યોજનાઓનો લાભ હવે આપના દ્વાર સુધી”ના સૂત્ર સાથે યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો હતો.

બડોલી પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે યોજાયેલી શિબિરમાં અરજીઓ સ્વીકારવાની કામગીરી, વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજો અંગે સહાય, આધારકાર્ડ તથા રેશનકાર્ડ સંબંધિત માર્ગદર્શન, પેન્શન યોજનાઓની માહિતી તેમજ આરોગ્ય તપાસ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શિબિરનો લાભ લીધો હતો.
શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી લાભાર્થીઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની સફળતા માટે બડોલી ગ્રામ પંચાયત દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સરપંચ રાજુભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ રમીલાબેન સુતરિયા સહિત પંચાયતના સભ્યો અને કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




