મોટાકોટડામાં ૧૦ દિવસથી બીએસએનએલ ટાવર બંધ, ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં

ઈડર તાલુકાના મોટાકોટડા ગામે આવેલ બીએસએનએલનો મોબાઈલ ટાવર છેલ્લા ૧૦ દિવસથી બંધ હોવાથી ખેડૂતો સહિત હજારો મોબાઈલ ધારકોને નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાથી વંચિત રહેવું પડી રહ્યું છે. ટાવર બંધ રહેતા ગ્રામજનોના રોજિંદા કામકાજ ઉપરાંત સરકારી ઓનલાઈન સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ટાવર બંધ હોવાને કારણે મોબાઈલ કવરેજ મળતું નથી, જેના કારણે અગત્યના ફોન, બેંકિંગ સેવાઓ, ઓનલાઈન વ્યવહારો તેમજ આરોગ્ય સંબંધિત તાત્કાલિક સંપર્કમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સારવાર માટે હોસ્પિટલ અથવા અન્ય જરૂરી કામે જતાં સમયે નેટવર્ક ન મળતાં લોકો પરેશાન બની રહ્યા છે.
ચોમાસા પૂર્વે ખેડૂતો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે. સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ, સબસિડી અરજીઓ અને ઓનલાઈન પ્રક્રિયાઓ માટે ઓટીપી આવશ્યક હોવા છતાં નેટવર્કના અભાવે ખેડૂતોને ઓટીપી મળી રહ્યો નથી. ખાસ કરીને પપૈયાના વાવેતર માટે મળતી સબસિડીની અરજી પ્રક્રિયામાં અનેક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે મોટાકોટડાનો બીએસએનએલ ટાવર અવારનવાર ખોરવાઈ જતો હોય છે, પરંતુ આ વખતે છેલ્લા ૧૦ દિવસથી સેવા સંપૂર્ણપણે ઠપ્પ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી મોબાઈલ ટાવર ફરી કાર્યરત કરવા માંગ કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સંચાર સેવાઓ પૂર્વવત બની શકે.




