ઈડરના બડોલીમાં કમળાનો પ્રકોપ, 12થી વધુ બાળકો ચપેટમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બડોલી ગામના ચામુંડાનગર વિસ્તારમાં કમળાના કેસો સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ વિસ્તારના 12થી વધુ બાળકોમાં કમળા (હીપેટાઈટિસ)ના લક્ષણો જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગનું તાત્કાલિક સર્વે અને તપાસ
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ચામુંડાનગર અને આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને ઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કમળાના લક્ષણો ધરાવતા બાળકોના લોહીના નમૂના (બ્લડ સેમ્પલ) મેળવીને લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
બાળકો સારવાર હેઠળ
બીમાર પડેલા બાળકોને પ્રથમ બડોલી પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને ત્યારબાદ ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયાની આશંકા
પ્રાથમિક તપાસમાં ચામુંડાનગર વિસ્તારમાં પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કૂવાના દૂષિત પાણીના કારણે બાળકો કમળાનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોગ્ય ટીમ દ્વારા આ કૂવાના પાણીનું સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું છે તેમજ પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા કડક સૂચના અને આગામી આયોજન
આ ઘટના અંગે ગંભીરતા દાખવીને જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ તથા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા તમામ વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે ખાસ સાવચેતી રાખવાની અને ઉકાળેલું પાણી વાપરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, આગામી 15 દિવસ સુધી આ વિસ્તારમાં સતત આરોગ્ય સ્ક્રિનિંગ અને દેખરેખની કામગીરી ચાલુ રાખવામાં આવશે.




