સાબરકાંઠા

હિંમતનગર ગ્રામ્યના દારૂના ગુનામાં ૬ વર્ષથી નાસતો-ફરતો આરોપી સાણંદ નજીકથી ઝડપાયો: સાબરકાંઠા LCBને મળી સફળતા

સાબરકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા તેમજ પેરોલ/ફર્લો પરથી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠાને મોટી સફળતા સાંપડી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન (દારૂ)ના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાનના એક આરોપીને સાણંદ નજીકના છારોડી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.આર. ચૌહાણ અને તેમની ટીમના માણસો તપાસમાં હતા.

દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ગુ.ર.નં. ૭૨૨/૨૦૨૦ (પ્રોહીબીશન કલમ ૬૫ એઈ, ૯૮(૨), ૧૧૬બી, ૮૧, ૮૩) મુજબના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉં.વ. ૩૧, રહે. થાના – ચાવડ રોડ, તા. સરાડા, જી. ઉદેપુર, રાજસ્થાન) હાલ ટ્રક નંબર GJ-15-AZ-0797 પર ડ્રાઇવિંગ કરે છે અને તે સાણંદ નજીક આવેલ છારોડી ગામ પાસે એક કંપનીમાં માલ ભરવા માટે આવેલો છે.

રોડ પર ઉભેલી ટ્રકમાંથી સુતેલી હાલતમાં પકડાયો

બાતમીના આધારે એલ.સી.બી. સાબરકાંઠાની ટીમે તુરંત જ ખાનગી વાહનમાં સાણંદના છારોડી ગામે પહોંચી અલગ-અલગ કંપનીઓ નજીક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક કંપની બહાર રોડ પર ઉભેલી શંકાસ્પદ ટ્રકમાં એક ઇસમ સુતેલો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ દર્શાવ્યું હતું. વેરીફિકેશન કરતા તે જ વોન્ટેડ આરોપી હોવાનું નિશ્ચિત થતાં, સાબરકાંઠા LCB એ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૫(૧)(જી) મુજબ તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ તેની અટકાયત કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

કામગીરી કરનાર ટીમ

આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઇ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઇ. વી.આર. ચૌહાણ, અ.હે.કો. જશુભાઇ બાબુભાઇ, અ.પો.કો. રાકેશસિંહ જસવંતસિંહ તથા આ.પો.કો. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!