સાબરકાંઠામાં મોડી રાત્રે વરસાદી માહોલ હિંમતનગર સહિત પાંચ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો

જિલ્લામાં વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દિવસભરના ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
જિલ્લાના આઠ તાલુકામાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વડાલી તાલુકામાં સૌથી વધુ ૨૨ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં ૧૮ મિમી, વિજયનગરમાં ૧૪ મિમી, ઈડરમાં ૧૦ મિમી અને હિંમતનગરમાં ૦૯ મિમી વરસાદ નોંધાયો હતો.
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.





