ઇડરમાં વીજ કંપનીની ઘોર બેદરકારી: ભૂતિયા પુલ પાસે DP માં કરંટ ઉતરતા ૬ નિર્દોષ કૂતરાઓના કમકમાટીભર્યા મોત

ઇડર શહેરમાં આવેલા ભૂતિયા પુલ ટાવર રોડ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને વીજ કંપનીની ગંભીર લાપરવાહી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. અહીં રસ્તા પર આવેલા વીજ ટ્રાન્સફોર્મર (DP) માં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે લોખંડના માળખામાં ભારે કરંટ ઉતરી આવ્યો હતો. જેને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા અને આસપાસ બેઠેલા ૬ જેટલા અબોલ કૂતરાઓ આ જીવલેણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો ભયાનક હતો કે તમામ ૬ મૂગા પશુઓએ તડપી-તડપીને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ, મોટી જાનહાનિ ટળી
એકસાથે ૬ અબોલ જીવોના કરુણ મોતને પગલે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોમાં વીજ કંપની (UGVCL) સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો સવાલ: “આ માર્ગ અત્યંત વ્યસ્ત છે અને અહીંથી સતત લોકોની અવરજવર રહે છે. સદનસીબે આ સમયે કોઈ નાગરિક કે બાળક તેની ઝપેટમાં ન આવ્યું, બાકી કોઈ મોટી માનવ જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ?”
ચોમાસા પહેલા તાત્કાલિક મેઇન્ટેનન્સ કરવાની માંગ
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આવી ખુલ્લી અને જોખમી ડીપી તેમજ લટકતા ખુલ્લા વાયરો ગમે ત્યારે મોટા અકસ્માતને નોતરી શકે છે. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ માંગ કરી છે કે:
-
શોર્ટ સર્કિટ વાળા તમામ ભયજનક ડીપીનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે.
-
ચોમાસા પહેલાં સમગ્ર ઇડર શહેરમાં પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સની કામગીરી કડક રીતે થાય.
-
ભવિષ્યમાં કોઈ માનવ જિંદગી કે પશુઓનો જીવ ન જોખમાય તેની વીજ કંપની ખાતરી કરે.





