રાજસ્થાનના ઉદયપુરના ગંભીર ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ પરથી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના પાટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
નાયબ પોલીસ મહાનિદેશક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત હિંમતનગર બી ડિવિઝન પોલીસ સતત વોચ અને તપાસમાં કાર્યરત હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી હલુરામ સન ઓફ ચીમનલાલ ખૂવાજી ખરાડી, રહે. ઉદયપુર (રાજસ્થાન), જે ઉદયપુર જિલ્લાના પાટિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો, તે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે આવવાનો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ICJS (Interoperable Criminal Justice System) પોર્ટલના આધારે પણ આરોપી સામે નોંધાયેલા ગુનાઓની માહિતી ચકાસવામાં આવી હતી. આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો અને અલગ અલગ સ્થળોએ ઓળખ છુપાવી રહેતો હોવાની વિગતો સામે આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સતર્કતા અને ઝડપી એક્શનના કારણે મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આગળની તપાસ ચાલુ છે.




