વર્ષ 2010 પૂર્વે નિમણૂક પામેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ધરણાં
સાબર શિક્ષક ભવન ખાતે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન, સાંસદ-કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું


શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન પર બુધવારે હિંમતનગર સ્થિત સાબર શિક્ષક ભવન ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધરણાં પ્રદર્શન યોજાયું હતું. વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે શિક્ષકોએ સાંસદ, કલેક્ટર તેમજ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનય પટેલ અને મહામંત્રી સુરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો જોડાયા હતા. શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટેટને ફરજિયાત ગણાવી સેવારત શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધી પરીક્ષા પાસ કરવાની મુદત આપી છે. આ નિર્ણયથી વર્ષોથી સેવા આપી રહેલા શિક્ષકોની નોકરીની સુરક્ષા, વ્યાવસાયિક ગૌરવ અને ભવિષ્ય અંગે ચિંતાનો માહોલ સર્જાયો છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમ મુજબ 5 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં ધરણાં અને આવેદનપત્ર કાર્યક્રમો યોજાશે. આ તબક્કામાં મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા અંદાજે 2,500થી વધુ શિક્ષકોને આ નિર્ણયની સીધી અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શિક્ષક સંઘ દ્વારા આગામી દિવસોમાં અન્ય શિક્ષક અને કર્મચારી સંગઠનો સાથે બેઠકો યોજી વ્યાપક સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત 1થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્ય સ્તરે થયેલી પ્રવૃત્તિઓની સમીક્ષા અને કાનૂની-વહીવટી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ મુદ્દાને રાષ્ટ્રવ્યાપી આંદોલનનું સ્વરૂપ આપવા તબક્કાવાર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.



