સાબરકાંઠામાં ૧ થી ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન” સપ્તાહની ઉજવણી
મહિલા સુરક્ષા, સ્વાવલંબન, નેતૃત્વ અને આરોગ્ય સહિત વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે

રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે વધુ સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સપ્તાહ દરમિયાન મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ અને આરોગ્ય અંગે જનજાગૃતિ લાવવા માટે વિવિધ વિભાગોના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમ મુજબ ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૩ ઓગસ્ટે બેટી બચાવો–બેટી પઢાવો દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તેમજ ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો જોડાશે. જેમાં પોલીસ અધિક્ષક કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શ્રમ અને રોજગાર કચેરી, ICDS, આરોગ્ય વિભાગ, હેડ પોસ્ટ ઓફિસ, લીડ બેંક, રમતગમત કચેરી તેમજ ખેતીવાડી વિભાગ સહિતની કચેરીઓ દ્વારા મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો, જાગૃતિ અભિયાન અને માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકો, મહિલાઓ અને યુવતીઓને આ કાર્યક્રમોમાં જોડાઈ સરકારની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા તેમજ “નારી વંદન” સપ્તાહને સફળ બનાવવા અપીલ કરી છે.




