ઇડર ગઢ પર ભયાનક આગ – ફાયર વિભાગને માર્ગના અભાવે ભારે મુશ્કેલી

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ઇડર ગઢ પર અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને રૂખી રાણીના માળિયા નજીકની વનસ્પતિ આગની ઝપેટમાં આવી બળી ખાખ થઈ ગઈ છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં ફેલાયેલી આગના કારણે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો થયો છે. આગ વધુ વિસ્તરે તેવી ભીતિના પગલે સ્થાનિક લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. ઇડર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, ડુંગર પર સીધો માર્ગ ઉપલબ્ધ ન હોવાને કારણે ફાયર ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ સુધી પહોંચવા તેમજ સાધનો અને પાણી પહોંચાડવામાં પણ અનેક અડચણો આવી રહી છે.આ સમગ્ર ઘટનાને લઈને ઇડર ફોરેસ્ટ વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો સમયસર દેખરેખ અને આગ પ્રતિબંધક પગલાં લેવામાં આવ્યા હોત તો આવી પરિસ્થિતિ ટાળી શકાત.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જો તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો પર્યાવરણને અપૂરણીય નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.





