વરસાદ ખેંચાતા પાક બચાવવા ખેડૂતોનો બોર-કૂવા સહારો, ખેતરોમાં ફુવારા શરૂ
કામચલાઉ રાહત મળી રહી છે, પરંતુ વરસાદ નહીં પડે તો બિન-સિંચાઈ ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલી વધશે

સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં વાવણીલાયક વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા પંદર દિવસથી વરસાદ ન થતાં આગોતરું વાવેતર કરાયેલા મગફળી અને કપાસના પાક ગરમી અને ઉકળાટના કારણે મૂરઝાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં અનેક ખેડૂતો પાકને બચાવવા માટે બોર-કૂવા અને ટપક સિંચાઈની મદદથી ખેતરોમાં ફુવારા શરૂ કરીને પાકને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાંતિજ, હિંમતનગર, તલોદ, ઇડર સહિતના વિસ્તારોમાં સારા વરસાદની આશાએ ખેડૂતોએ અગાઉથી જ મગફળી અને કપાસનું વાવેતર કરી દીધું હતું. નિંદામણની કામગીરી પૂર્ણ થયા બાદ હવે પાકને પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ વરસાદ ન થતાં ખેડૂતોને મજબૂરીવશ બોર-કૂવાના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ બોર અને કૂવાના પાણીથી હાલ પાકને કામચલાઉ રીતે બચાવી શકાય છે, પરંતુ જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાણીના મર્યાદિત સ્ત્રોત ધરાવતા ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કેલ બની શકે છે. સતત સિંચાઈ કરવાથી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
બીજી તરફ હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો પણ ચિંતિત છે. ડાંગરની રોપણી માટે ખેતરમાં પૂરતું પાણી જરૂરી હોય છે. વરસાદના અભાવે કયારીમાં પાણી ભરાતું ન હોવાથી રોપણી શક્ય બની રહી નથી. જો ઓછી ભેજમાં રોપણી કરવામાં આવે તો નિંદામણનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે મજૂરી ખર્ચ પણ વધી જાય છે.
જોકે અનેક ખેડૂતોએ ધરૂવાડિયામાં ડાંગરના ધરૂ તૈયાર રાખ્યા છે અને આગામી દિવસોમાં વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ તો મગફળી અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતો બાફ અને ઉકળાટ વચ્ચે પણ ખેતરોમાં રહી ફુવારા દ્વારા ભેજ જાળવી પાકને બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે.




