ખેડબ્રહ્મા જતા પદયાત્રીનું મોત: વારંવાર અકસ્માત છતાં તંત્ર જાગતું નથી

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખેડબ્રહ્મા પૂનમ નિમિત્તે પગપાળા જઈ રહેલા પદયાત્રીને ઈડર-વડાલી હાઈવે પર બાઈક ચાલકે ટક્કર મારતાં નાના કોટડા ગામના સુરેશભાઈ કાંતિભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્મતમાં બાઈક ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર ખાતે રીફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરંતુ વારંવાર થતા આવા અકસ્માતો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે? પદયાત્રીઓ મોટી સંખ્યામાં હાઈવે પરથી પસાર થાય છે છતાં તેમની સુરક્ષા માટે કોઈ ખાસ વ્યવસ્થા કેમ ઉભી કરવામાં આવતી નથી? ટ્રાફિક નિયંત્રણ, ચેતવણી સૂચનાઓ અને સુરક્ષા પગલાંનો અભાવ આવા બનાવોને આમંત્રણ આપી રહ્યો છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઊભા કર્યા છે. જો સમયસર યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય, નહીં તો આવી ઘટનાઓ ફરી ફરી બનતી રહેવાની ભીતિ યથાવત રહેશે.





